મહુડી મંદિરની સુખડીને શા માટે નથી લઇ જવાતી બહાર?




                 ગાંધીનગરથી લગભગ 35 કિલોમીટર અંતરે આવેલા મહુડી ગામમાં ઘંટાકર્ણ મહાવીર જૈનનું ભવ્ય મંદિર આવેલુ છે. મહુડી જૈનોનું પવિત્ર યાત્રાધામ છે. આ જૈન મંદિરનું સંકુલ લગભગ બે કિલોમીટર જેટલા વિસ્તારમાં પથરાયેલું છે. અહીંયા ઘંટાકર્ણ ભગવાનનું મુખ્ય મંદિર આવેલું છે. જેની ટોચે સોનાનો કળશ છે. આ આખું મંદિર આરસપહાણથી બનેલું છે.


                 મહુડી ખાતે આવેલા ઘંટાકર્ણ મહાવીર જૈનના આ ભવ્ય મંદિરમાં ભગવાનને ચડાવાતા પ્રસાદનું અનેરૂ મહત્વ રહેલું છે. મહુડી ખાતેના આ જૈન દેરાસરમાં ઘંટાકર્ણ મહાવીરને સુખડી ચડાવાય છે અને તેને પ્રસાદ તરીકે વહેંચાય છે. મહાવીરને પ્રસાદ તરીકે ચડાવાતી સુખડીના પ્રસાદનો એવો નિયમ છે કે તેને ત્યાંજ ખાવી પડે છે તેને મહુડી બહાર લઈ જઈ શકાતી નથી. ધાર્મિક માન્યતાથી શરૂ થયેલી આ વાત અત્યારે કદાચ સામાજિક દૃષ્ટિએ કહીએ તો એ રીતે સારી છે કે, દરેક વ્યક્તિને ત્યાં સુખડી મળી રહે. ઘંટાકર્ણ મહાવીરને સુખડી પ્રિય હોવાથી તેમને સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે.



                  ઘંટાકર્ણજીને આ દેરાસરના પ્રાંગણમાં જ બનેલી સુખડીનો પ્રસાદ ધરાવવાની પ્રથા છે. આ સુખડી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, પરંતુ તે પ્રાંગણમાં જ ખઈને અથવા ગરીબને આપીને પૂરી કરવાની હોય છે.


                  લોકવાયકા અનુસાર અહીં બનતી પ્રસાદી ઘંટાકર્ણ મહારાજને અર્પણ કર્યાં બાદ ત્યાં જ પૂરી કરવાનો નિયમ છે. મંદિર પ્રાંગણમાંથી પ્રસાદી બહાર લઈ જવા પર નિષધ છે. લોકવાયિકા અનુસાર પ્રસાદીને મંદિર બહાર લઈ જવાનો પ્રયત્ન કરવાવાળો કોઈ સફળ થઈ શક્યાં નથી.



                  સેંકડો વર્ષ પહેલા પ્રાચીન મહુડી ગામમાં અતિ પ્રાચીન શ્રી પદ્મપ્રભુસ્વામી ભગવાનનું જિનાલય હતું. જે સાબરમતી નદીના અતિ પ્રચંડ પૂરના કારણે ગામ ભયમાં આવી જતાં અગ્રણી જૈનોએ નવા ગામમાં વસવાટ કર્યો અને નૂતન જિનાલય નિર્માણ કરાવ્યું. મૂળનાયક શ્રી પદ્મપ્રભસ્વામી ભગવાન, શ્રી આદેશ્વર સ્વામી ભગવાન, શ્રી ચંદ્રપ્રભસ્વામી ભગવાનની પ્રતિષ્ઠા સંવત 1974 માં માગસર સુદ 6 ના દિને શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજી મ.સા.એ કરી. મહુડી મંદિરનું નામ પડે એટલે તીર્થંકર ભગવાનનાં દર્શન અને તે સાથે ધનુર્ધારી શ્રી ઘંટાકર્ણ મહાવીરનાં દર્શન અને સુખડીનો પ્રસાદ અહીંના દર્શને આવનાર ભાવિકોનું સંભારણું બની રહે છે.


                  મહુડીમાં શ્રી પદ્મપ્રભુના અધિષ્ઠાયક તરીકે શ્રી ઘંટાકર્ણ મહાવીરની સ્થાપના કરી છે. તે પ્રભુ ભક્તોને સહાયકારી થાય છે. તે બાબતના અનેક ચમત્કારો સંભળાય છે. ઘંટાકર્ણ મહાવીર દેવ પહેલા પૂર્વ ભવમાં એક આર્ય રાજા હતા. તે સતીઓનું, સાધુઓનું તેમ જ ધર્મી મનુષ્યોદનું રક્ષણ કરવામાં જીવન ગાળતા હતા. દુષ્ટે રાક્ષસ જેવા મનુષ્યોનના હુમલાઓથી ધર્મી પ્રજાનું રક્ષણ કરતા હતા.

                 જૈનોનાં મંદિરમાં મૂળ નાયક તીર્થંકરના યક્ષ-યક્ષિ‍ણી વગેરેનું સ્થાપન કરેલું હોય છે. પ્રભુની પ્રતિમાની નીચે દેવી હોય છે અને બહારના મંડપના ગોખલાઓમાં અનેક પ્રકારના શસ્ત્ર-ધારક યક્ષ-યક્ષિ‍ણીની મૂર્તિઓ મંત્રથી પ્રતિષ્ઠિત કરેલી હોય છે. જૈનો માને છે કે મંત્રમાં સંમોહનની શક્તિ છે. તે મંત્રના બળે દેવો આવે છે અને સહાય કરે છે. ઘંટાકર્ણ વીર ચોથા ગુણ-સ્થાનકવાળા દેવ છે. આથી તે ગૃહસ્થ જૈન શ્રાવકના બંધુ ઠર્યા. આથી જ ગૃહસ્થ જૈનો તેમની સુખડી ખાય છે.



                   અમારો આ Gujarati Article વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર
                   આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો<< ગુજરાતી માહિતી >>
મહુડી મંદિરની સુખડીને શા માટે નથી લઇ જવાતી બહાર? મહુડી મંદિરની સુખડીને શા માટે નથી લઇ જવાતી બહાર? Reviewed by ગુજરાતી માહિતી on February 27, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.